મળ્યું છે તને જગમાં તનડું તો કાચું, મળ્યું છે મનડું તને તો ફરતું ને ફરતું
સમજી લેજે થાશે હાલત તારી તો કેવી એમાં, પડશે તારે તો એ જરા વિચારવું
મળ્યું છે જગમાં તને તો ભાગ્યનું લહાણું, વળી મળ્યું છે વિપરીત સંજોગોનું નજરાણું
સગાવહાલાની મળી છે તને તો બેડી, બનશે ના જીવનમાં તોડવી એને તો સહેલું
મળવું છે જ્યાં તારે જીવનમાં તો પ્રભુને, ધારે છે તું, નથી એટલું તો કોઈ સહેલું
રહીશ માયાની પાછળને પાછળ જો ઘસડાતો, નીકળી જાશે ત્યારે બુદ્ધિનું દેવાળું
રહ્યો છે પ્રભુને જગમાં તું શોધતોને શોધતો, ગયો ભૂલી શાને, તારા હૈયાંમાં છે એનું બેસણું
છે સહેલોને સચોટ ઉપાય પાસે તો તારી, ભાવને પ્રેમથી નામ એનું તો લેવું
પડશે કરવું જીવનમાં તો બધું, પણ ચિત્તડું ને મનડું પ્રભુમાં તો જોડવું
કરવાં ને કરવાં પડશે જગમાં તો કર્મ, ફળની ઇચ્છાથી તો અલિપ્ત રહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)