અંધારા સતાવે ખૂબ મને તો જીવનમાં રે માડી, સતાવે મને તો અંધારા
લાગ્યા નથી કે રહે ના જીવનમાં, કદી એ તો પ્યારા, લાગ્યા ના એ તો પ્યારા - સતાવે..
અહંના પડળ ચડયા જ્યાં નજરમાં, દેખાયા ના ત્યાં એમાં સાચના તો અજવાળા - સતાવે..
ચડયા લોભલાલચના પડળ નજરમાં, દેખાયા ના એમાં સીધા રસ્તાના અજવાળા - સતાવે..
બીન આવડતના ચડયા હૈયે જ્યાં અંધારા, દ્વાર પ્રગતિના ના એમાં દેખાયા - સતાવે..
નિરાશાના વ્યાપ્યા હૈયે જ્યાં અંધારા, જીવનના રસકસ એ તો ઉડાડી ગયા - સતાવે..
વેરને ક્રોધના વ્યાપ્યા તો જ્યાં અંધારા, રહ્યાં જીવનમાં, જીવનને તો એ સતાવતા - સતાવે..
બાંધી દીધી બુદ્ધિને તો જ્યાં વાડામાં, વ્યાપ્યા જીવનમાં મૂંઝવણના તો અંધારા - સતાવે..
ફેલાય જીવનમાં તો જ્યાં ભાગ્યના અંધારા, કાઢવા બન્યા અઘરા ત્યાં દહાડા - સતાવે..
પથરાયા ના જ્યાં હૈયે પ્રભુપ્રેમના તો અજવાળા, બન્યા ગાઢ માયાના તો અંધારા - સતાવે..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)