સૂરજદેવ તમે તપતાને તપતા રહેજો, તપતા ના અટકી જાજો
નાખે વાદળો ભલે અંતરાયો તો વચ્ચે, લક્ષમાં એને તમે ના લેજો
રહ્યાં છો આપતાં હુંફ તો જગને, વંચિત જગને એમાંથી ના કરજો
સહી ના શકે તાપ તમારો જે વાદળ, વિખરાઈ એને જાવા દેજો
ક્ષણ ને બે ક્ષણની પાથરી છાયા, જાશે વિખરાઈ, લક્ષમાં એને ના લેજો
ક્ષણ ને બે ક્ષણનો વિરહ જાશે જગાવી, સહન એને તમે કરી લેજો
તમારી શક્તિ છે અપરંપાર, એની શક્તિ પર નજર ફેંકતા રહેજો
ઘનશ્યામ ઘેરા વાદળો, ટકશે થોડાં વધુ, તમારા તાપથી, તોડતા રહેજો
જાશે હટી જ્યાં વાદળો, સંપર્ક આપણી વચ્ચે, સીધો થાવા દેજો
તમે તપતા રહેજો, તાપ અમે ઝીલતા રહીશું, સદા અમને દેતા રહેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)