જમનાના જળની તો જારી ભરી, મેં તો મારા મોહનની પૂજા કરી
મીઠું મીઠું મુખડું મોહનનું નીરખી, હૈયાંમાં આનંદની તો લહેરી ઊઠી
નટખટ મોહન બેસે ના શાંત જરી, ક્રોધ ના એના પર તો કરી શકી
એની આંખડીમાં તો હતી મસ્તી ભરી, ડોકું ધુણાવી કરે એ તો મસ્તી
ઊભો રહે ના એ તો સ્થિર જરી, રણકી ઊઠે એમાં એની તો ઝાંઝરી
જોય એ તો, મરક મરક મુખડું કરી, એ હાસ્યમાં હું તો ઘેલી બની
મીઠી નીંદ ચોરનાર એ મંગલમૂર્તિ, અનિમેષ નયને, રહી હું એને નીરખી
પકડી કંદોરો કેડનો, રહ્યો તીરછી નજરે જોઈ, પગ એના રહ્યાં થનગન નૃત્ય કરી
નીરખી નીરખી મારી એ બાળ મૂર્તિ, રહી સ્વર્ગસુખ એમાં હું તો પામી
જાગ્યા ભાવો હૈયાંમાં એવા ઊછળી, સાનભાન ગઈ, બધું એમાં હું તો ભૂલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)