જગમાં તું છે એક દાતા, બીજા ભિખારી તારે દ્વાર
રાજા,રાય, રંક કે ફકીર, ફેલાવે ઝોળી તો તારી પાસ
ઝોળી ભરી મોકલ્યા જગમાં, સર્વને તેં કર્માનુસાર
ઝોળી હોય ભલે ભરેલી, તોય ફેલાવે તારી પાસ
ભર્યું તે સર્વની ઝોળીમાં જુદું-જુદું, ઈર્ષા જાગી માંહ્યોમાંહ્ય
છળકપટ ઊભાં થયાં, જાગ્યો અસંતોષ જગમાંહ્ય
આપ્યું સર્વને ઘણું-ઘણું, તોય ઝોળી ના ભરાય
ઝોળી ખાલી કર્યા વિના આવે, આપેલું ઢોળાઈ જાય
ફિકર સર્વને મેળવવાની લાગી, ખાલી કરવાનું ના સમજાય
તોય નાખે તું તો ઝોળીમાં, ઝોળીમાં એ તો ના સમાય
આપ્યું છે યોગ્ય સર્વને, જ્યારે જો એ તો સમજાય
સંતોષ આવી હૈયે વસે, માનવી સુખમાં સદા નહાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)