અપાવશો ના યાદ મને વેદનાની, કરશો વાત વેદનાની, ભર્યું છે હૈયું વેદનાથી
સંભળાય છે સૂરો, દેખાય છે દૃશ્યો વેદનાના, થાતી નથી આંખ ઉપર, બની છે ભારી વેદનાથી
છલકાય છે સાગર વેદનાના, પડશે ના ફરક એમાં, વધુ આંસુઓ એમાં ઉમેરવાથી
એકલ દોકલ વેદનાની ગણતરી નથી, વેદના વિનાના જગની કલ્પના થાતી નથી
મધુરા સપના ઉપર ફરી વળે જળ વેદનાના, મધુરા સપનાની હસ્તી જળવાતી નથી
તણાયા જ્યાં વેદનાના વહેણમાં, ધરતી આધાર વિનાની લાગ્યા વિના રહેતી નથી
વેદનાના સૂરો ને વેદનાના દૃશ્યો, અંતરને હલાવ્યા વિના તો એ રહેતા નથી
સંપર્કો જગના જાશે એમાં તૂટી, જગને ભુલાવ્યા વિના એ તો રહેતી નથી
વધશે જોર જ્યાં વેદનાનું જીવનમાં, જગ ત્યાં બેસ્વાદ લાગ્યા વિના રહેવાનું નથી
વેદનાની લંગાર અટકે ના જો જીવનમાં, લાચાર બનાવ્યા વિના તો એ રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)