ફેલાવી ફેલાવી ફોરમ, આખર તો પુષ્પ ખરી ગયું, જીવન સાર્થક એ કરી ગયું
જમીન ઉપર પડયા પડયા, રાખી દૃષ્ટિ વૃક્ષ ઉપર, મીઠાં દિવસોની યાદ કરી રહ્યું
હતી શોભા એક વખત એ વૃક્ષની, પડી જમીન ઉપર, જમીનની શોભા બની ગયું
ફોરમે ફોરમે કર્યા તરબતર કંઈક હૈયાંને, ફોરમ હૈયાંને તો અર્પણ એ કરતું રહ્યું
આશિકીનો ખ્યાલ નથી, ઇશ્કી મિજાજ નથી, મસ્તક સંતોષથી ડોલાવી રહ્યું
સૂરજ ઊગેને સૂરજ આથમે, ધરતીમાતાની સોડો એ તો યાદ કરતું રહ્યું
જીરવાયો ના આવેશ મિલનનો, વૃક્ષ ઉપરથી, ધરતી ઉપર તો એ સરી પડયું
હતો ના ડંખ, ખરડાશે કોમળ કાયા તો એની, હૈયું, મિલનને તો જ્યાં ઝંખી રહ્યું
પડી પડી ધરતી ઉપર, નજર હતી તો વૃક્ષ ઉપર, યાદ એની ના વીસરી શક્યું
ના કોઈ ક્રોધ કે કામનાની જવાળા ભરી, સમર્પણથી હૈયું તો ભર્યું ભર્યું હતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)