ઊડતોને ઊડતો જાય છે, સમય તો વહેતોને વહેતો જાય છે
બધું એમાં તો તણાતું જાય છે સારું નરસું, ના એ જોતું જાય છે
ના ભેદભાવ તો છે એને, ના પ્યાર કે વેર, એ તો રાખે છે
ના એ તો રોકાય છે, ઘણું ઘણું બદલાતું એમાં તો જાય છે
નાના મોટા જીવનમાં સહુ, લાચાર એની પાસે તો બની જાય છે
હાથમાં ના આવે એ તો કોઈના, એ સરકતોને સરકતો જાય છે
ગઈકાલના સમયને, આજનો સમય ખાય છે, કાળ એ તો કહેવાય છે
સમયથી બંધાયા છે સહુ જગમાં, સહુને સમય તો બાંધતો જાય છે
થાય છે બધું જગમાં તો, સમય બધું એ તો જોતો જાય છે
પહોંચાશે જગમાં તો બધાને, જગમાં સમયને તો ના પહોંચાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)