કરશો જીવનમાં તમે રે કાંઈ, મળશે એના ચાહનારા ને ટીકા કરનારા
કરશો ભલું તો કોઈનું, ગમશે એ કંઈકને, મળશે એના વિરોધ કરનારા
કરવા જાશો પ્રેમ, મળશે એમાં સાથ દેનારા ને એનાથી તો દૂર ભાગનારા
બજાવવી હશે ફરજ જીવનમાં, ગમશે ભલે એ કંઈકને, મળશે પત્થરા એમાં નાખનારા
કરશો પ્રગટ વિચાર તો તમારા, મળશે એમાં સંમત થનારા ને વિરોધ કરનારા
કાપશો જીવનની જો વાટ, મળશે તમને જીવનમાં એમાં સાથ દેનારા ને રોકનારા
દુઃખદર્દ જીવનમાં આવશેને આવશે, મળશે એમાં તો હસનારા ને રોનારા
પડશે જીવનમાં સમય સાથે તો ચાલવું, મળશે જગમાં એની આગળ ને પાછળ ચાલનારા
હરેક ચીજમાં મળશે જીવનમાં, કંઈક તો ઉપરછલ્લું જોનારા, કંઈક ઊંડા ઊતરનારા
જગમાં સદા તો મળતા રહેશે, કંઈક જીવનને હળવાશે જોનારા, કંઈક બૂમો પાડનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)