વળગી ગઈ, ઉતાવળની ભૂતાવળ, જીવનમાં ભૂલોને ભૂલો એ કરાવતી ગઈ
પામ્યા ઓછું એમાં, ગુમાવ્યું ઝાઝું, સરવાળો ઊલટો એ તો આપતી ગઈ
ડગલે ને પગલે ઉતાવળ જાગી ગઈ, આડા અવળા પગલાં એ પડાવતી ગઈ
જાગી ઉતાવળ જ્યાં હૈયાંમાં, શાંતિના પાઠ બધા તો એ વીસરાવી ગઈ
સીધાસાદા કામોમાં પણ ઉતાવળ તો, તરખાટ એમાં એ મચાવી ગઈ
જરૂરિયાતે જાગે ઉતાવળ, એને પહોંચવાની પેરવી તો એ કરાવતી ગઈ
ઉતાવળ તો બીનપાણીદારને પણ, જીવનમાં પાણી એ તો ચડાવી ગઈ
સુખદુઃખને ભુલાવી જીવનમાં, સુખદુઃખની નવી રેખા એ બાંધી ગઈ
સહજપણે અપનાવી ઉતાવળને જેણે જીવનમાં, એની તો દુનિયા બદલાઈ ગઈ
ધન્ય બનશે એ ઉતાવળ, પ્રભુને મળવાની ઝંખનામાં જો એ બદલાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)