તરણા હેઠળ ડુંગરો, ને ડુંગરો ના દેખાય
સંસારમાં રહ્યા પ્રભુ, છૂપ્યો રહી છુપાઈ
સાંભળે સર્વે વાતો તારી, તોય કાન એના ના દેખાય
જુએ એ તો કાર્યો સર્વે તારાં, તોય આંખ એની ના કળાય
પહોંચે સર્વ ઠેકાણે એ તો, તોય પગલાં એનાં ના વરતાય
વાતો કરે એ તો આપણી સાથે, તોય મુખ એનું ના દેખાય
સુખદુઃખમાં હૂંફ મળે એની, તોય એ ના સમજાય
પ્રેમમાં ડુબાડે સર્વને એ તો, તોય દર્શન એનાં નવ થાય
સમય-સમય પર સાચવે સૌને, તોય હાથ એનાં ના દેખાય
કરે-કરાવે સર્વે એ તો, તોય કર્તાપણું એનું વિસરાય
વિરાટમાં વિરાટ છે એ તો, તોય અણુ-અણુમાં સમાય
રીત છે એની અનોખી, એમાં રહ્યા સૌ ભરમાય
કૃપા પામે જ્યારે જે તો, તેને એ બધું સમજાય
છતાં ના સમજે જે, તે બહુ દુઃખી દુઃખી થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)