ક્રોધ કરીશું તો કોના ઉપર, જો જોઈશું સર્વમાં પરમાત્મા
લૂંટશે અન્યને જ્યારે તું, લૂંટાશે તેમાં રહેલ પરમાત્મા
છેતરીશ જ્યારે અન્યને તું, છેતરાશે નહીં શું પરમાત્મા
ફળ, ફૂલ, ધાન્યમાં વસીને, પોષે છે તને પરમાત્મા
કાર્યો કરે છે જ્યારે તું, તેમાં રહી છે શક્તિ પરમાત્મા
વર્ષા, વાયુ વાયે બધે, રહ્યો છે એમાં પણ પરમાત્મા
દર્શન તને દેખાડે એ તો, દૃષ્ટિમાં પણ છે પરમાત્મા
ચેતન જગતની ચેતનામાં, વસી રહ્યો છે પરમાત્મા
જડમાં મૌન બની છે ચેતના, એમાં પણ રહ્યો છે પરમાત્મા
બુદ્ધિ, તું સમજી જાજે, બુદ્ધિમાં પણ રહ્યો પરમાત્મા
ભાવભરી ભજી લેજે, ભાવમાં પણ રહ્યો છે પરમાત્મા
નથી એવું કોઈ ઠામઠેકાણું, જ્યાં નથી રહ્યો પરમાત્મા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)