શોધવા નીકળ્યો છું જગમાં મને, ખોવાયો છું ક્યાં, મને ખબર નથી
શોધું મને તો હું ક્યાં, એક ઠેકાણે તો સ્થિર જ્યાં હું રહેતો નથી
પ્રેમથી તો થયેલું હૈયું ભીનું, પ્રેમમૂર્તિ વિના તો એ ખીલી શકતું નથી
સાંભળવા છે કાને પ્રેમભીના શબ્દો પ્રભુના, હજી તો એ સંભળાયા નથી
કદી ખોવાયો એકમાં, કદી ખોવાયો બીજામાં, ખોવાઈશ શેમાં એની ખબર નથી
શોધનું બીજ વાવ્યું છે હૈયામાં, પૂરેપૂરું હજી તો એ કાંઈ ખીલ્યું નથી
લઈ લઈ દીપક ફર્યો જગમાં, પ્રકાશ એનો હૈયામાં હજી પહોંચ્યો નથી
હું અને મારા પ્રભુ છુપાયા છીએ સાથે, છુપાયા છીએ ક્યાં એની ખબર નથી
છુપાયો છું જ્યાં રાતના અંધકારમાં, દિનનો પ્રકાશ હજી પહોંચ્યો નથી
ચાલી છે આ સંતાકૂકડી મુજની, મારી એની સાથે, રમત હજી પૂરી થઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)