માડી, વાંકી ચાલે ચાલ, થાયે હાલ મારા બેહાલ
બેસું કરવા એનું ધ્યાન, ત્યારે ચિત્ત બને બેધ્યાન - માડી ...
ભૂલવા બેસું જીવનની વાત, ત્યારે એ તો આવે યાદ
કર્યા અન્ય ઉપર ઉપકાર, જાગે તેનું બહુ અભિમાન - માડી ...
થયાં હોય મારાં અપમાન, ભુલાવે આ બધું ધ્યાન
છોડવા કરું આ વિચાર, ઉપર આવે આ વિકાર - માડી ...
રચ્યા આશાના મિનાર, તૂટતાં લાગે ન એને વાર
કરવા બેસું મનને સ્થિર, મનડું બને બહુ અધીર - માડી ...
તેથી થાવું ના નિરાશ, છોડવા નહીં આ પ્રયાસ
ધીરે-ધીરે આવશે મનડું હાથ, દેવા લાગશે એ તો સાથ - માડી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)