દૂર દૂરથી નીરખો છો શાને, એક વાર આવી અંતરમાં સમાઈ જાવ માડી
રાખ્યો છે ભરી અંતરમાં પ્રેમનો સાગર, થાકશો ના પીતાં એને તમે માડી
રોકે છે પાસે આવતાં અમારી મજબૂરી, આવતાં તમને કોણ રોકે છે રે માડી
સૃષ્ટિ સર્જી, પોરો ખાવા શું કામ બેઠાં માડી, મચી ગઈ માનવહૈયામાં અંધાધૂંધી માડી
સુખી જોવા ચાહ્યું સહુને તેં તો માડી, રહ્યા તોય દુઃખી જગમાં અમે શાને માડી
જનમતાં દીધી હૈયે સરળતા માડી, ક્યારે ને ક્યાં ગઈ ખોવાઈ, સમજ પડી ના માડી
વિરહના દર્દની વેદના જગાવી હૈયે, દવા એની કેમ ના દીધી અમને રે માડી
માયામાં દઈ દઈ અટવાવી અમને, ખેલ આવા ખેલ્યા શાને અમારી સાથે માડી
પ્રેમથી નીતરે છે હૈયાં તમારાં માડી, ખાલી રાખ્યાં શાને હૈયાં અમારાં એમાં માડી
રહી રહીને પાસે તો અમારી, શાને દૂર રાખ્યા અમને તો તમારાથી રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)