ચલિત વિચારો, ચલિત મન, અને છે ચલિત તારા જ્યાં ભાવો
આ બધાની વચ્ચે છે હે જીવ તું તો, સ્થિર રહેવા મથનારો
જગમાં તો છે જીવનમાં સુખદુઃખ, તો ચલિત કરનારાં ભીષણ દ્વારો
ચલિત છે સબંધો, ચલિત છે સમય, રહ્યો એના હાથે તું માર ખાનારો
ચલિત છે દૃશ્યો, ચલિત છે ઇચ્છાઓ, ક્યાં જઈ એમાં તું પહોંચવાનો
ચલિત આવા વાતાવરણમાં, સ્થિરતાનો દાવો ક્યાં સુધી ટકવાનો
મનનો નચાવ્યો જગમાં તું નાચ્યો, ભાવેભાવમાં જગમાં તું તણાયો
સ્થિર રહેવા તો જીવનમાં, શોધજે જીવનમાં તું સ્થિર સથવારો
લોભલાલચમાં જે લપટાયો, જીવનમાં એ તો અસ્થિર બનવાનો
પ્રભુ એક જ તો ચલિત નથી, લેજે જીવનમાં એનો તું સહારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)