કયા વાંસની છે રે તું વાંસળી, દિલનો કયો ભાવ રહી છે લહેરાવી
દિલના કયા ઉમંગને રે, જીવનમાં છે તું તો વહાવી
શ્વાસે શ્વાસે સંપર્ક તો દિલનો સાધી, રહી ફૂંક દ્વારા વાંસળીમાં વહાવી
છેડે સૂરો કદી પ્રેમના, ફૂંકે ફૂંકે, કદી દે વિરહની વેદના ફેલાવી
ઘૂંટી ઘૂંટી હૈયાના દુઃખને, અરે વાંસળી, દે છે એને તો તું રેલાવી
રહી રહી સંપર્કમાં હૈયાના, હૈયાના ભાવોને દે છે તું તો રેલાવી
હતા ભાવો સુષુપ્ત જે હૈયામાં, દીધા પાછા એને તો તે જગાવી
કોઈ વેદના ભર્યું હૈયું લે એને ઝીલી, એની દુનિયા દે વીસરાવી
જાગે નર્તન હૈયામાં જ્યાં પ્રેમના, ભેળવી સૂરો એમાં દે જગ ભુલાવી
બની જુદી જુદી વાંસની વાંસળી, દે છે હૈયાના ભાવોની રંગત જમાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)