સાગરનો સાગર છે તું તો પ્રભુ, માંગું તારી પાસે હું તો માંગું
દેજે સુખનો સાગર મને તું એવો, આવે ના ઓટ એમાં તો કદી
છે કૃપાનો સાગર તું તો, દેજે કૃપાનો સાગર એવો, ઓટ ના આવે એમાં કદી
ભરતી ને ઓટ સમાવી શકે સાગર, દેજે સાગર મને એવો તું બનાવી
પ્રેમનો સાગર છે તું, પ્રભુ દેજે પ્રેમનો સાગર એવો, ઓટ ના આવે એમાં કદી
કરુણાનો સાગર છે તું તો પ્રભુ, દેજે જીવન કરુણાથી ભરી, ઓટ ના આવે એમાં કદી
છે તું તો જ્ઞાનનો સાગર પ્રભુ, દેજે જ્ઞાન એવું ભરી, ઓટ ના આવે એમાં કદી
છે વિવેકનો સાગર તું તો પ્રભુ, દેજે વિવેક મુજમાં એવો ભરી, ઓટ ના આવે એમાં કદી
સમૃદ્ધિનો સાગર છે તું તો પ્રભુ, દેજે સમૃદ્ધિ મુજને એવી, ઓટ ના આવે એમાં કદી
છે સરળતાનો સાગર તું તો પ્રભુ, દેજે સરળતા મુજમાં એવી ભરી, ઓટ ના આવે એમાં કદી
છે સંસારના સર્વ સારનો સાગર, તું પ્રભુ દેજે સાર મુજમાં ભરી, ઓટ ના આવે એમાં કદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)