ઘડવું છે ભાગ્ય જેણે રે જીવનમાં, ભાગ્ય એને જણાય કે ના જણાય તોયે શું
છે સમજ તો જેની સાથમાંને સાથમાં, તકલીફ એને આવે કે ના આવે તોયે શું
પ્રેમની ધારા વહે છે સ્થિર તો જેના હૈયાંમાં, બાણ વેરના હૈયે એને વાગે કે ના વાગે તોયે શું
દ્રઢતાના આસન છે હૈયે વિશ્વાસના તો જેના, મુસીબત જીવનમાં આવે કે ના આવે તોયે શું
મળ્યા છે સાથ પ્રભુના જેને રે જીવનમાં, સાથ જગત એને આપે કે ના આપે તોયે શું
મનના મણકા ઊંચા છે જેના રે જીવનમાં, તોફાન એના જીવનમાં જાગે કે ના જાગે તોયે શું
છે ધીરજના ગઢ મજબૂત તો જેના રે જીવનમાં, તોફાન એના જીવનમાં આવે કે ના આવે તોયે શું
છે વિચારો પર કાબૂ તો જેના રે જીવનમાં, વિચારો એને આવે કે ના આવે તોયે શું
થયા છે, ને છે હૈયાં પવિત્ર જેના રે જીવનમાં, પુણ્ય એ કરે કે ના કરે તોયે શું
છે જગકલ્યાણના ભાવ જેના હૈયે રે જીવનમાં, ફળ એના મળે કે ના મળે તોયે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)