તમારા સામર્થ્યનો ઇનકાર કરી શકતા નથી, અમારી અસમર્થતા સ્વીકારી શકતા નથી
તારા પ્રેમને જીવનમાં ઇનકાર કરી શકતા નથી, વેરને હૈયામાંથી ત્યજી શકતા નથી
તારી કૃપાને માડી ઇનકાર કરી શકતા નથી, ફરિયાદ વિના તોય રહી શકતા નથી
તારા ધ્યાનમાં અમે ડૂબી શકતા નથી, જ્યાં જીવનમાં માયાને અમે ત્યજી શકતા નથી
તારી આંખ સામે આંખ માંડી શકતા નથી, કુભાવો હૈયામાંથી જ્યાં અમે ત્યજી શકતા નથી
તારાં દર્શન ખુલ્લી આંખે કરી શક્યા નથી, અંતરની આંખો અમારી જ્યાં હજી ખૂલી નથી
તારી પાસે અમે હજી પહોંચી શક્યા નથી, તારી રાહ પર જીવનમાં અમે હજી ચાલ્યા નથી
તારા જ્ઞાનમાં હજી અમે રાજી રહી શક્યા નથી, જીવનમાં તને અમે હજી સમજી શક્યા નથી
તારા ગુણો જીવનમાં અમે ઉતારી શક્યા નથી, તારાં સાચાં સંતાન અમે બની શક્યા નથી
તારામય જીવનમાં અમે બની શક્યા નથી, દ્વાર મુક્તિનાં અમે ખોલી શક્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)