ચિત્તનો બનાવીને દોર, પરોવી એમાં મનના રે મણકા
ફેરવ તું રે જીવનમાં એવી રે પ્રભુના નામની રે માળા
રાખી નજરમાં પ્રભુની રે મૂરત, જો હૈયામાં પ્રભુની રે સૂરત
ભીંજવી પ્રભુભાવમાં એ માળા, ફેરવ એવી રે તું માળા
શ્વાસે શ્વાસના બનાવી મણકા, બાંધી એમાં શ્રદ્ધાના તાંતણા
છે શ્વાસ તનડાનું તો જીવન, પ્રભુનામને બનાવ શ્વાસનું જીવન
પરોવી લે તારા ઇચ્છાઓના મણકાને, પ્રભુની ઇચ્છામાં ફેરવ એની માળા
દુઃખદર્દના બનાવી મણકા, ફેરવતો ના એવા મણકાની માળા
ફેરવીશ પ્રભુનામની આવી રે માળા, આવશે પ્રભુ ઢૂંકડા
ખોલી જાશે રે એ તો, તારી મુક્તિનાં રે બારણાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)