લખાવી આવ્યા કર્મોથી શ્વાસોનાં લેખાં, કોણ એને વધારી કે ઘટાડી શકશે
મેળવી આવ્યા તનડાં ને મનડાં કર્મોથી, કોણ એને સુધારી કે બગાડી શકશે
તનડાં ને મનડાંથી કર્મોનો ભોગવટો ખતમ થાશે, પરંપરા નવી કોણ સર્જી જાશે
ઋણાનુબંધ પતાવવા મળ્યા જીવનમાં, કોણ જાણે પાછા ક્યાં ને ક્યારે મળશે
સુખદુઃખના કરી ભોગવટા ત્યજી શરીર, જીવ નવું તનડું કરવા ધારણ ક્યાં જાશે
હતાં કર્મો કેટલાં, લઈ આવ્યાં કેટલાં, રહ્યાં બાકી કેટલાં, ના કોઈ એ કહી શકશે
વૃત્તિઓ લઈ આવ્યા, રાખી ના કાબૂમાં એને, કરાવશે કર્મો કેટલાં કોણ કહી શકશે
કર્મો કરતાં કરતાં, મટશે કર્મો કેટલાં, જાગશે નવાં કેટલાં, ના એ કોઈ કહી શકશે
કર્મોના તાંતણા છૂટતા ને ગૂંથાતા જાશે, અટકશે ગૂંથણી ક્યારે, ના એ કહી શકાશે
પડી ગયો પગ જ્યાં કર્મની જાળમાં, એમાં ને એમાં પગ જીવનમાં ગૂંચવાતો જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)