નયનોથી તારાં માડી મળ્યાં નયનો મારાં, દિલની ધડકન ત્યાં બોલી ધક ધક ધક
કહું ના કહું તને રે માડી, મળ્યા વિના, મેળવી લીધો દિલ પર તો તેં હક હક હક
નીરખું મુખડું માડી તારું, મનડું મારું એમાં તો ત્યાં ચોરાયું
મેળવું તારી નજરથી નજર મારી, તેજ તારી આંખોમાં જોયું નિરાળું
છે તું અજર અમર અવિનાશી, દઈ દર્શને હતભાગીને કરજે બડભાગી
આવી વસ્યા હૈયામાં જ્યાં મારા, બની ગઈ લીલી હૈયાની ફૂલવાડી
તારી નજરમાં જોઉં જ્યાં નજર માંડી, હટે ના નજરથી નજર મારી
જોઉં આંખોમાં તારી, ધારા કરુણાની નીરખી નજરમાં ત્યાં પ્રેમની ક્યારી
બેઠો સામે તારી નજર માંડી, મળી મને ત્યાં પ્રેમની ઓળખ તારી
સાનભાન ગયો ભૂલી, નજરમાં બધે ત્યાં મને તું ને તું દેખાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)