કર્યા યત્નો સમજવા જીવનને, સમજાયું, કારણ વિના દુઃખી થઈ રહ્યો છું
માંડયું ગણિત જીવનનું, મળ્યો જવાબ, સમજણ વિના જીવનમાં ઘણું કરું છું
કરી કોશિશો સમજવા પ્રેમને, સમજાયું, પ્રેમથી તો દસ ગાઉ દૂર રહ્યો છું
કાઢી છાતી ફર્યો ખૂબ જીવનમાં, ઊંડે ઊતરી જોયું, કારણ વિના ડરતો રહ્યો છું
કર્યું ક્રોધનું વિશ્લેપણ હૈયાંમાં, જીવનમાં તો અકારણ ક્રોધ કરતો રહ્યો છું
ડહાપણ ડહોળ્યાં ઘણાં જીવનમાં, સમજાયું, ડહાપણથી તો દૂરને દૂર રહ્યો છું
ઉદાર સમજી રહ્યો હતો મને, અપનાવવા અન્યને અખાડા કરતો રહ્યો છું
નિખાલસતા આકર્ષી રહી હૈયાંને, પણ જીવનમાં શંકામાં તો જીવી રહ્યો છું
પુરુષાર્થને પકડી ના શક્યો જીવનમાં જ્યાં, ભાગ્યનો અંચળો ઓઢાડું છું
મારામાં ને મારામાં હોશિયારી બધી જોઈ રહ્યો છું, સમજાયું ખોટા અહંમાં જીવી રહ્યો છું
કરી કરી જીવનમાં તો આવું બધું, હૈયાંમાં પ્રભુના પ્રવેશનો માર્ગ રૂંધી રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)