નજરેનજરની હશે ચાલતી વાતો, વાણી ત્યાં વચ્ચે તો બોલશે નહીં
હૈયેહૈયું કરશે વાત જ્યાં એની, વાણી તો ત્યાં એને રોકી શકશે નહીં
વાણી કરશે ના વાત તો જે પૂરી, નજરના ભાવો પૂરા કર્યા વિના રહેશે નહીં
ઉત્સુકતાનો અજંપો જાગ્યો જ્યાં હૈયે, હૈયું તણાયા વિના એમાં રહેશે નહીં
ઇચ્છા, લોલુપતા જાગી જ્યાં હૈયે, કુભાવો જગાવ્યા વિના એ રહેશે નહીં
પ્રેમ પ્રગટયો જ્યાં હૈયે, પ્રભાવ વાણી ઉપર એ પડયા વિના રહેશે નહીં
બેકાબૂ બન્યો ક્રોધ જ્યાં હૈયે, આંખમાં જ્વાળા એની પ્રગટયા વિના રહેશે નહીં
ઇર્ષ્યા વ્યાપી ભારોભાર જ્યાં હૈયાંમાં આંખોમાં એ વર્તાયા વિના રહેશે નહીં
વ્યાપ્યો હશે તિરસ્કાર જો ખૂબ હૈયાંમાં, આંખ પડઘો પાડયા વિના રહેશે નહીં
હૈયાંના ભાવની તો છે આંખો બારી, એક બીજા પૂરક બન્યા વિના રહેશે નહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)