જીવનમાં તો તામાશા જોનારા મળશે ઝાઝા, સાથ દેનારા તો થોડા
દિલ દુઃખશે જેનું તો તારા દુઃખે, ગણજે એને તો તું તારા
વાહ વાહ કરનારાના ભરાશે ગાડા, સાચું કહેનાર મળશે તો થોડા
વિકૃત ઇચ્છાઓમાં તણાનારા મળશે ઝાઝા, સંયમ રાખનારા મળશે થોડા
જીવનને આપત્તિ સમજનારા મળશે ઝાઝા, સંપત્તિ ગણનારા તો થોડા
દુઃખ રડનારા તો મળશે ઝાઝા, એને સમજનારા મળશે તો થોડા
રોગી બની મરનારા મળશે ઝાઝા, સ્વસ્થતાથી મરનારા મળશે થોડા
ડરી ડરીને જીવનારા મળશે ઝાઝા, હિંમતથી તો જીવનારા તો થોડા
વેર બાંધનારા મળશે જીવનમાં ઝાઝા, એને ભૂલનારા મળશે તો થોડા
અધવચ્ચે છોડનારા મળશે તો ઝાઝા, છેવટ સુધી સાથ દેનારા તો મળશે થોડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)