ખોટી આશાઓનો સંચાર, થાવા ના દેજો હૈયાંમાં, મીઠા સ્વપ્ના સજાવી એ દેશે
સરકતા જાશો જ્યાં એમાં ને એમાં, જીવનમાં વાસ્તવિક્તા એ તો ભુલાવી દેશે
વધતા જાશે જીવનમાં જો ઢગ એના, જીવનને મુશ્કેલ બનાવી એ તો દેશે
લડખડી જાશે ડગ તો એમાં, નિરાશાના દ્વારે એ તો એને પહોંચાડી જાશે
નિરાશાના ધૂંધળા વાદળમાંથી, ફૂટશે જો એક આશાનું કિરણ, જીવાડી એ તો જાશે
રચતો ના ખ્વાબો આશાઓના જીવનમાં, ના એ પૂરા થાશે, હિંમત તોડી જાશે
નિરાશાના ઘૂંટડા જ્યાં પીવાતાને પીવાતા જાશે, જીવતર એ ઝેર બનાવી જાશે
જાગૃત રહેશે ના એમાં જો જીવનમાં, ઊંઘતાને ઊંઘતા એમાં તો ઝડપાઈ જાશે
હરી લેશે શાંતિ હૈયાંની, લૂંટી લેશે ચેન જીવનનું, ગફલતમાં એમાં જો રહેશે
હરાઈ ગઈ સુખચેન શાંતિ જ્યાં જીવનમાં, ત્યાં જીવન એમાં વેડફાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)