આવાગમનથી શું કંટાળ્યા નથી, ઊંચકશે ક્યાં સુધી કર્મોનો ભાર
પડશે શોધવો એનો રે ઉપાય, પડશે શોધવો એનો રે ઉપાય
સુખદુઃખથી ગયા શું ટેવાઈ એવા, એના વિનાના જીવનનો કર્યો ના વિચાર
માયાના નચાવ્યા નાચ્યા જીવનભર, કર્યો ના કદી છૂટવાનો વિચાર
સંબંધોની સાતતાળી રહ્યા રમતા જીવનમાં, છૂટયા ના એમાંથી પળવાર
પ્રભુને દીધા ફુરસદના બનાવી, આવે યાદ કદી એ કોઈક વાર
પેટ કાજે આદરી પ્રવૃત્તિ બધી, છૂટયા ના જીવનમાં એમાંથી જરાય
પેટની બળતરા જીવનમાં જલદી સમજાય, મનની બળતરા રાહ જોતી જાય
ટકરાતા ને ટકરાતા ગયા સ્વાર્થ જીવનમાં, ઉપાધિઓ એમાં ઊભી થાય
રાખી નજર ગગનમાં, ચાલવું છે ધરતી પર, ચલાશે એ કેટલી વાર
દુનિયાભરના દાવા ઊભા છે દિલમાં, આપશો ભાવ કેટલો, કેટલી વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)