તારી આંખોમાં મારા જો ભાવો ના દેખાય, આંખો તારી તો જોઈ નથી
વહેતી હવામાંથી મળે ના જો તારો સ્પર્શ, હવા જીવને તો સ્પર્શી નથી
દુઃખદર્દ જીવનનાં જો ના મટી જાય, દર્શન તારાં તો થયાં નથી
કુદરતની લહેરોમાંથી શબ્દ તારો જો ના સંભળાય, તારા અમે બન્યા નથી
જે વિચારોમાં પડે ના પડઘા તારા, એ વિચારોને વિચાર તારા કહી શક્યા નથી
જે નીર હૈયામાં નીર ના વહાવી જાય, એ નીરને તારાં નીર કહેવાં નથી
જે નામ તારું જીવનનો થાક ના ઊતારી જાય, એ નામને નામ તારું કહેવું નથી
જે દૃશ્ય અપાવી ના જાય યાદ તારી, એ દૃશ્યને દૃશ્ય તારું કહેવું નથી
જે તેજમાં દેખાય ના જો તેજ તારું, એ તેજને તારું તેજ કહેવું નથી
જે શ્વાસોમાંથી મળે ના પ્રાણ તારા, એ શ્વાસને પ્રાણ તારા કહેવા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)