મલક તો છે મોટો ને મોટો, સાથ રહ્યો છે મળતો ખોટો ને ખોટો
જાણીએ છીએ, છે આ કાચી માટીની કાયા તો છે પાણીનો પરપોટો
છૂટે ના ચિંતા જ્યાં હૈયેથી, લાગે એ જ દિવસ ત્યારે મોટો ને મોટો
હરેક વાતમાં અહં પોતાનો તો જીવનમાં, રહે એ તો નડતો ને નડતો
સરજી દુઃખો, રહ્યો છે ડૂબી એમાં, રહ્યો છે એમાંને એમાં કણસતો
લાવ્યો પોટલો કર્મોનો, જીવનમાં રહ્યો છે એને વધારતો ને વધારતો
લાગે ભલે સોટા જેવો સીધો, રહ્યો છે મનમાં એ તો અટપટો
રહ્યો છે સદા સંઘર્ષ કરતો, રહ્યો છે ખુદ સાથે લડતો ને લડતો
દર્દ વિનાના જીવનમાં પણ, દર્દ રહે ઊભું એ કરતો ને કરતો
મળશે જગમાં જોટો અનેકનો, મળશે ના જગમાં માનવનો જોટો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)