નભમાં તારલિયા હસતા હતા, ધરતી ઉપર એવું એણે શું જોયું
પામર એવા માનવી, લઈ અહં મોટા, જગમાં એ તો ફરતા હતા - નભમાં...
પહોંચ બહારની હતી દોટ સહુની, દોડી દોડી એમાં થાકતા હતા - નભમાં...
છોડીને જવાનું છે જગમાં સહુએ, એના કાજે તો એ લડતા હતા - નભમાં...
વાતો સહુ મોટી કરતા હતા, સહુની વાતોમાં તો મીંડાં હતાં - નભમાં...
પ્રેમની વાતો ખૂબ કરી, સ્વાર્થની શરણાઈ વગાડતા હતા - નભમાં...
બિનઆવડત હતી ભારી, ઢોલ આવડતનાં તોય વગાડતા હતા - નભમાં...
મારા-તારાની ફેરફુંદરડીમાં તો સહુ રચ્યા-પચ્યા હતા - નભમાં...
સર્જેલા દુઃખમાં થઈ દુઃખી, જીવનમાં આંસુ વહાવતા હતા - નભમાં...
પ્રભુની નજદીક કહેવાતા માનવીના, હાલ નીરખતા હતા - નભમાં...
એકબીજા એકબીજા સામું જોઈ, આંખમીંચામણી કરતા હતા - નભમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)