ઢોંગ-ધતૂરા છોડો, પ્યારથી પ્રભુ સાથે તો નાતો જોડો
પ્રેમ તો તારશે જીવનનૈયા, ના પ્રેમને જીવનમાં તરછોડો
રંગશો એવું જીવન રંગાશે, ભક્તિના રંગે એને રંગો
થાતી નથી સહન પીડા જીવનમાં, અન્યને જીવનમાં ના પીડો
દુભાઈ લાગણી, થાતું નથી સહન, અન્યની લાગણી ના દુભાવો
માયા સંગે નજર મેળવી ફર્યા, પ્રભુ સંગે નજર હવે મેળવો
કર્મોએ રાખ્યા સુખથી વંચિત, ઉમેરો હવે એમાં ના કરો
લઈ લઈ બે હાથે લેશો કેટલું, હજાર હાથવાળો જ્યાં દેવા બેઠો
આશાનો સૂરજ રોજ ઊગશે, નિરાશાની સંધ્યા જોવા શાને બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)