પરોઢિયે પરોઢિયે માડી યાદ તું આવી, યાદ તારી મીઠી રે
યાદે યાદે વહ્યાં પ્રેમનાં ઝરણાં, ઝરણાં એ તો અનોખાં રે
એ ઝરણાએ ઝરણાએ ખીલ્યાં પુષ્પો અનોખી પ્રેરણાનાં રે
પ્રેરણાએ પ્રેરણાએ જાગ્યા ભાવો, લઈ ગયા અનોખી દુનિયામાં રે
એ દુનિયામાં હતાં તું ને હું, ગયો બની એમાં તો મસ્તાન રે
ભૂલ્યો ભાન જગનું, ભૂલ્યો ભાન ખુદનું, જાગ્યું અનોખું ભાન રે
ભળ્યો જ્યાં હું તો તુંમાં, ફેલાણી રગેરગમાં અનોખી લ્હેરી રે
હતું ના સમયનું ભાન, હતી ના નડતર સમયની, પહોંચ્યા સમયની પાર રે
અનોખી લીલા માડી તારી તેં દેખાડી, ને લીલા તારી સમજાવી રે
તું ને હું એક હતાં ને એક બન્યાં, એકતા એમાંથી સરજાણી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)