કિસ્મત કરે છે મજાક મારી, સાથ ન દે તું એમાં માડી
પોકાર તને કરતો રહ્યો માડી, તોય રહેમ તને હજી ન આવી
પ્રારબ્ધે લાત ઘણી લગાવી, અહીં-તહીં મને ખૂબ ભમાવી
આશા બધી ગઈ છે ભાંગી માડી, તોય રહેમ તને હજી ન આવી
હતાશામાં મને ખૂબ ડુબાવી, હિંમત મારી ગઈ છે ભાંગી
રાહ તારી મને વિસરાવી માડી, તોય રહેમ તને હજી ન આવી
અંધકાર ગયો છે બહુ છવાઈ, રસ્તો સૂઝતો નથી માડી
પ્રકાશ વિના ગયો છું મૂંઝાઈ માડી, તોય રહેમ હજી તને ન આવી
જીવન જીવવું બન્યું છે ભારી, ભટકાવે છે ચારેકોર ઉપાધિ
રસ્તો સુઝાડજે મુજને માડી, તોય રહેમ હજી તને ન આવી
ખોટો રસ્તો હૈયેથી ભુલાવી, સાચો રસ્તો મને સુઝાડી
દેજે મને તારી તરફ વાળી માડી, રહેમ નજર મુજ પર લાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)