એ વાત હતી તારીને ને મારી, હતી એ આપણી, શાને જગજાહેર કરવી
તને કે મને ગમી કે ના ગમી, શાને એને જગજાહેર બનાવવી
ના લાગે કે વળગે અન્યને એમાં, શાને હૈયામાં આપણે ના રાખવી
હતી એ વાત તો નાની, કરી કરી ચર્ચા શાને ચૂંથી નાખવી
સંમત થયા કે ન થયા, શાને કાજે જગજાહેર એને તો બનાવવી
રસ્તા કાઢશું તો કાઢશું આપણે, શાને સંમતિ એમાં ના સાધવી
નાની એવી તો એ વાતને, શાને જીવનમાં ચોળીને ચીકણી કરવી
આપણી વાતનું વતેસર કરી, શાને અન્યને ફાચર મારવા દેવી
નાની વાતને નાની ગણી, શાને ખોટી મહત્તા એને તો દેવી
શાને હૈયાના કાચા બની, મનના છીછરા બની, વાતને વાગોળયા કરવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)