દોસ્ત છે તું તો સહુનો, કરવા મદદ ના પાછીપાની કરનારો
છે જાણવો મુશ્કેલ તને જગમાં, સહુને તોય તું છે જાણનારો
હર વખત સાથમાં રહેનારો, હાથમાં ના તોય તું આવનારો
દિલની દુનિયામાં વસી, દિલની દુનિયાને આબાદ કરનારો
છે અદ્ભુત રીતો તારી, જાણવા તો તને વીતે જન્મારો
હસતા-ખેલતા વીતે આયુષ્ય, મળે જો તારો સથવારો
છે જગમાં તો તું સહુનો કિનારો, નથી તારો તો કોઈ કિનારો
બરબાદીની રાહ છોડાવી, આબાદીની રાહે તો ચલાવનારો
કર્યાં યાદ જેણે દિલથી, કષ્ટ સદા એનાં તો કાપનારો
એક અને અદ્વિતીય છે તું, કહે છે એવું સહુ જાણકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)