આજ માધવ મધુવનમાં જાતા નથી (2)
રાસ રમવા મધુવનમાં જાતા નથી, આજ માધવ મધુવનમાં નથી
શોધે છે માધવનું હૈયું રાધા, રાધા જેવું હૈયું શોધ્યું એને મળતું નથી
ભીડ જામે ત્યાં ઘણીંઘણીં, ગોપ-ગોપી જેવાં ખુલ્લાં હૈયા મળતાં નથી
પ્રેમનીતરતી આંખો ને દિલ શોધ્યૈં કોઈમાં આજ મળતા નથી
રમે સહુ રાસ ભલે હૈયાના ભાવ સાથે, ભાવ કોઈના મળતાં નથી
જોઈજોઈ માનવનાં હૈયા નિરાશા જાગી, ઉમંગભર્યાં હૈયા કોઈનાં નથી
હૈયાના દેખાવો ઝાઝા, ભાવો થોડા, હૈયું માધવનું ઉમંગે ભરાયું નથી
માધવે રમાડયા જે રાસે સહુને, હૈયામાં માધવને સમાવ્યા નથી
તાલીઓના તાલથી ને ઢોલના ઢમકારથી, હૈયા માધવનાં હાલ્યાં નથી
એક એક હૈયા ને નજર તપાસી માધવે, ગોપ-ગોપીઓનાં હૈયા જડયાં નથી
લઈને તરસ્યું હૈયું ચાલ્યા માધવ વૈકુંઠ, મારે મધુવનમાં જવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)