જગમાં માડી તારા સિવાય કોઈ પાસે સત્તા નથી
તારા સિવાય માડી, મારી વાત મારે કોઈને કહેવી નથી
દુઃખમાં કરતા સૌ પોતાના કાન બંધ, તું બંધ કરતી નથી
મારા દુઃખની વાત માડી, તારા વિના કોઈને કહેવી નથી
દુઃખમાં દેતા દિલાસો સૌ, સાથ કોઈ તો દેતું નથી
દુઃખમાં માડી જગમાં તારા સિવાય, સાથ કોઈનો લેવો નથી
સાથ સૌનો હોયે અધૂરો, સાથ પૂરો કોઈ દઈ શકતું નથી
તારો સાથ હોયે પૂરો માડી, તારા વિના સાથ કોઈનો લેવો નથી
જગમાં કોઈ કોઈની પૂરી સંભાળ માડી રાખી શકતું નથી
તારી સંભાળની તોલે માડી, કોઈની સંભાળ આવતી નથી
જગમાં માડી તારા વિના, સુખદુઃખ કોઈ મિટાવી શકતું નથી
કરવી છે અરજી માડી તને, બીજા કોઈને અરજી કરવી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)