કર ના તું કુદંકુદી, કે કર ના તું નાચંનાચી રે મનવા, અટકશે એ તો ક્યારે
કરશે તું શું, કરીશ ક્યારે શું, ના એ તું તો જાણે, અન્ય ક્યાંથી એ તો જાણે
માયા સદા તને તો તાણે, તું એમાં તો તણાયે, સાથે સાથે મને શાને તું તાણે
ફરી ફરી માયામાં ના તું તો થાકે, પરિણામ એના શાને મને તું તો ભોગવાવે
કરતો ને કરતો રહે એમ તું તો સદાયે, જાણે નથી લેવા-દેવા એમાં તને તો જરાયે
જોઈ રહ્યો છું રાહ, એ દિવસ ક્યારે આવે, જ્યારે મારું તું સમજે ને મારું તું માને
માગું સાથ તારો ત્યારે તું તો ભાગેને ભાગે, થાય ભલું આપણું એમાં તો ક્યારે
છે શક્તિશાળી તું બની જાશે શક્તિહીન તું, ખોટી ચાલ જ્યારે તું તો ચાલે
સમયસર સમજી જાશે જો તું, થાશે એમાં તો ભલું કરીશ એ તો તું ક્યારે
છોડ રસ્તા તો તું ખોટા, અપનાવી લે હવે તો તું સાચા, તારું ને મારું ભલું એમાં થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)