વિશ્વંભરીનાં વહાલ વિશ્વમાં સદાય વહેતાં રહ્યાં
નહાયા ન જે એમાં પ્રેમથી, એ સદા કોરા ને કોરા રહ્યા
ન પામી એના પ્રેમને, દોષ સદા એને દેતા રહ્યા
ન કરવું જ્યાં કંઈ, ને `મા' ને દોષિત સદા ઠેરવતા રહ્યા
રાખી બારી સદા પોતાની બંધ, સૂર્યપ્રકાશથી વંચિત રહ્યા
કડવાં ફળ ભોગવતાં રહ્યા, દોષ કર્મનો સદા કાઢતા રહ્યાં
પ્રસંગ ન પડ્યો જ્યાં સુધી, બણગાં સદા ફૂંકતા રહ્યા
કસોટીના કાળે, સૌ સદા પગલાં પાછાં ભરતા રહ્યા
વાસ્તવિક શક્તિની સદા અવગણના જે કરતા રહ્યા
જિંદગીની મંઝિલમાં પગ એના સદા ડગમગતાં રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)