રહી ના શકે, સ્થિર તું તો જે પ્રવાહમાં, એ પ્રવાહથી તું દૂર ને દૂર રહેજે
તાણી જાય જે પ્રવાહ તને, બનાવી જાય બેકાબૂ તને, એનાથી તું દૂર ને દૂર રહેજે
અનેક પ્રવાહ રહ્યાં છે જીવનમાં તારા તો વહેતા ને વહેતા, ધ્યાનમાં એને તો તું લેજે
બનવું છે જ્યાં તરવૈયો રે જીવનમાં, જીવનના ઊલટા પ્રવાહમાં પણ તરાતાં શીખી લેજે
છે પ્રવાહ તો શક્તિના ધોધ જીવનમાં, કાબૂ મેળવવા, એના પર જીવનમાં તું શીખી લેજે
શું ક્રોધ, કે શું વેર, શું ઇર્ષ્યા, કે શું શંકા, જીવનમાં એના પ્રવાહને કાબૂમાં લેજે
શું દયા, કે શું કૃપા, હોય ભલે પ્રેમનો પ્રવાહ, સંયમમાં એ શોભે, ધ્યાનમાં આ તું લેજે
તણાઈ જાશે જ્યાં તું એ પ્રવાહમાં, જઈશ તણાઈ તો ક્યાં ને ક્યાં, લક્ષ્યમાં આ તું લેજે
જાળવી ના શકીશ સ્થિરતા જ્યાં તું એમાં, કરશે એ તો ગેરફાયદા, ધ્યાનમાં આ તું લેજે
પ્રભુ મારા રે જીવનમાં, જીવનના હરેક પ્રવાહમાં, સ્થિરતા મને તો તું દેજે ને દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)