મૃગજળમાં કાંઈ છબછબિયા નહીં કરાય, એમાં તો કાંઈ તરસ નહીં છિપાવાય
શેખચલ્લીના કેરીના ઝાડ પરથી કેરી નહીં તોડાય, કેરી એ ખાધેથી પેટ નહીં ભરાય
વ્યંઢળના પુત્ર પાસેથી કાંઈ જીવનમાં, સરવણી તો કાંઈ ના સરાવાય
આશાના મિનારા પરથી પડી જતાં, જીવનમાં કાંઈ હાડકાં તો નહીં તૂટી જાય
સ્વપ્નસૃષ્ટિના વ્યવહારથી જીવનમાં, જીવનના વ્યવહાર તો કાંઈ નહીં સચવાય
મનની દોડાદોડી પાછળ દોડી, જીવનમાં તો કાંઈ ઠરીઠામ તો નહીં થવાય
પોથીમાંની સલાહ, આચરણમાં જો નહીં ઊતરાય, ફળ એના પોથીમાં રહી જાય
મનમાં જે રાંડે ને મનમાં જે માંડે, સબંધ એના તો કેમ કરી સમજાય
સપ્તરંગી માનવીના વર્તનના, જીવનમાં, ભવિષ્ય નહીં વાંચી શકાય
નિર્મળ પ્રેમ, અને ભક્તિ વિના પ્રભુને, જીવનમાં તો નહીં રીઝવી શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)