છીએ રે અમે રે, માટીપગા રે માનવી રે પ્રભુ,
પગ નીચે આવતા રેલા, પગ અમારા પીગળી જાય
હિંમત ભરી તો કરીએ અમે, વાતો રે જીવનમાં,
સામનાની વેળાએ, હિંમત અમારી દગો દઈ જાય
હાંકીએ મોટી મોટી બડાશ રે જીવનમાં તો સત્યની,
જીવનમાં અસત્યમાં ડૂબ્યા રહીએ અમે રે સદાય
શાંતિભરી વાતોની હાંકીએ ખૂબ બડાશ રે,
પળે પળે રે, જ્વાળા ક્રોધની તો ઓકતા જવાય
વિચારોના કાબૂના અહંમાં તો અમે રાચીએ રે,
વિચારો અમને રે, જ્યાં ત્યાં તો તાણી જાય
તાકાતના રે દંભમા, રાચીએ અમે જીવનમાં રે,
જીવનમાં તો તાકાતના પારખા તો લેવાઈ જાય
માન અપમાનના ગૂંચવાડામાં પગ અમે નાંખતા રહીએ,
બહાર એમાંથી તો ના નીકળાય
દ્વિધામાં ને દ્વિધામાં રહીએ અમે રાચતાં ને રાચતાં રે જીવનમાં,
તકલીફ એમાં ઊભી કરતા જવાય
ગજાબહારની ઇચ્છાઓ પાછળ દોડીને રે જીવનમાં,
પરસેવાના તો રેલા પડતાં જાય
ખોટા આચરણોમાં પડીને રે જીવનમાં, થાકી થાકી રે પ્રભુ,
ત્રાહિમામ ત્રાહિમામ પોકારતા જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)