આકાર તને તો નામ મળ્યું, નામ તને એમાં તો શું ઇનામ મળ્યું
નિરાકાર પ્રભુ ધરી નામ, આકાર તારે બનવું પડયું, એમાં તારું શું વળ્યું
નામે નામે, આકાર રહ્યાં તારા તો જુદા, ઝઘડાનું તો એ કારણ બન્યું
હરેક આકારને છે નામ તો તારું, પ્રભુ તારા નામે તો બદનામ થાવું પડયું
તારા નામમાં તો જે ઓગળી ગયું, પ્રભુ તારે એમાં તો ઓગળી જાવું પડયું
તારું નામ તો જ્યાં પ્રેમનું કારણ બન્યું, પ્રેમનું પાન એને તો કરાવવું પડયું
ખુદના આકારને પણ જ્યાં નામ મળ્યું, નામ વિના પ્રભુથી તો ના રહેવાયું
જગમાં મહત્ત્વ નામનું એટલું વધ્યું, હર ચીજે નામરૂપ તો થાવું પડયું
રૂપે રૂપે જ્યાં રૂપો રહ્યાં રે જુદા, જુદા જુદા રૂપે નામ, જુદું જુદું ધારણ કરવું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)