પ્રભુ તું જે કરે તે ખરું, દોષ પ્રભુ એમાં હું કોનો તો કાઢું
કર્મ ગણું કે ગણું એને ભાગ્ય મારું, દોષ એમાં હું તો કોનો કાઢું
કદી લાચાર એવો તો બનું, સમજાય ના ત્યારે, એમાં હું તો શું કરું
છે જીવનમાં તો બધી શક્તિ તારી, મારી શક્તિના બણગાં તોયે ફૂંકું
ના કોઈ કરી જીવનમાં, દેખાવ તોયે કરું, ના કાંઈ જીવનમાં એને તો પામું
દીવાનો તારો ના હું તો બન્યો, માયાનો દીવાનો હું તો બનું
કરું હું તો એવું કરું જીવનમાં, ના કરવા જેવું હું તો કરું
કદી દયાહીન બનું, કદી દયાવાન બનું, જાણું ના ક્યારે હું શું કરું
કદી દિલને ગમે, કદી દિલને ના ગમે, એવું હું તો કરતો રહું
કર્તાપણું ના હું તો છોડું, કહેતો રહું તોયે પ્રભુ તું કરે તેં ખરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)