કમળ તો જગને શીખવી ગયું, જીવો જીવન તો જગમાં જળકમળવત્ રહી
થાશે પૂજન અર્ચન જગમાં તમારા, રહેશો અલિપ્ત કમળ જેમ જગમાં બની
ચરણ તમારા જાશે જગમાં બધે, રાખજો ચરણને તો અલિપ્ત એનાથી
બની જાશે ચરણ ત્યારે, જગમાં તમારા, થઈ જાશે ચરણ, ચરણકમળ તમારા
કરથી કર્મો જગમાં કરવા પડશે, રહેજો કર્મોથી જગમાં તો અલિપ્ત બની
જગમાં બની જાશે કર ત્યાં તો, જગમાં કર કરકમળ તો તમારા
હૈયાંમાં રહેશે ભાવો તો સદા, રાખજો વિશુદ્ધ જગમાં એને સદા
રાખજો હૈયાંને અલિપ્ત તો એમાં, બની જાશે હૃદય હૃદયકમળ તમારા
જોતા ને જોતા રહેશે જગને તો નયનો, જોશે જગમાં જગનો એ તો સદા
અલિપ્ત રાખજો નયનોને સદાયે એમાં, બની જાશે નયનો, નયનકમળ તમારા
બની જાશે જીવનમાં તો જ્યાં આ કમળો, જીવનમાં તો જ્યાં તમારા
ખીલી ઊઠશે જીવનકમળ તમારું, ખુલી જાશે જીવનમાં સહસ્ત્રદળ કમળ તમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)