કરવું હતું શું, ને શું હું કરી બેઠો, જવું હતું ક્યાં, ક્યાં જઈ હું તો પહોંચ્યો
તૈયારી હતી ના એ રાહની, તૈયારી વિના રાહ તો એ પકડી હું તો બેઠો
હતી રાહ એ તો મારાથી અજાણી, જાણકારી વિના એના પર હું તો ચાલી રહ્યો
રાહે રાહે આવતા તોફાનોમાં, હું તો વિચલિતને વિચલિત થાતો ગયો
સાથ વિનાનો હું, તૈયારી વિનાનો રે હું, ડરથી અધવચ્ચે હું ડગી ગયો
તારા અદૃશ્ય હાથે પાયા પ્રેરણાના પીયુષ, થઈ ઊભો રાહે હું તો ચાલ્યો
તારા દર્શનઘેલો, હું તો ચાલ્યો, માયાનો ઘેલો, બનતો હું તો ચાલ્યો
રાહની મંઝિલ હતી તો તારી, અધવચ્ચે મંઝિલ હું એ તો ભૂલી ગયો
ખીલવવી હતી માનવતાને જીવનમાં રે, માનવતાને જીવનમાં હું તો ખોઈ બેઠો
અહંના તાંતણા છોડવા હતા, જીવનમાં મજબૂત એને, જીવનમાં હું તો કરી બેઠો
મંઝિલ હતી મુક્તિની મારી, બંધનોને બંધનોથી વિંટળાઈ હું તો બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)