ચાલ્યાં આવોને (2) રાધારાણી રે, યમુનાને તીરે ચાલ્યાં આવોને
ચાલ્યાં આવો રે યમુનાને તીરે રે, કહે મોહન મુરલીધારી રે
રચીશું આપણે યમુનાને તીરે રે, આપણી અમર કહાની રે
વગાડીશ બંસરીના સૂર એવા રાધારાણી, ગુંજશે ભાવો આપણા રે
જોવડાવશો ના રાહ હવે તમે, હવે આવોને તમે રાધારાણી રે
રૂમઝૂમ પગલે આવ્યાં ત્યાં રાધારાણી, કહે સાંભળોને, મોહન મુરલીધારી રે
તારી ધૂને ધૂને રે, નાચી ઊઠશે રે, મોહન, પાયલ તો મારી રે
મારી પાયલ ને તારી ધૂનથી, ઉતારીશું સ્વર્ગ તો ધરતી પર રે
નથી દૂર કાંઈ હું તારાથી કે તું મુજથી, બોલાવવા મને, મુરલી શાને વગાડી રે
છે જ્યાં તું તો મારા મનની મૂર્તિ પ્યારી રે, બનવા દેજે મને, મુરલી તારી પ્યારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)