ભરવી છે ફાળ જીવનમાં મોટી મોટી, દિલ તો છે મારું નાનું નાનું
જીરવાશે કેમ એ આંચકા જીવનમાં, જીવનમાં મને નથી એ સમજાતું
છે જેવું એ, છે પાસે એ તો મારું, છે એ તો પ્રભુ દીધેલું તારું ને તારું
તારી વિશાળતા ને વ્યાપકતાને રે પ્રભુ, દિલમાં એને તો છે સમાવવું
પૂનમના તેજને ઝીલવાને રે તારા, અમાસના અંધકારમાં પણ ભટકવું પડયું
નડતું રહ્યું છે જીવનમાં ઘણું ઘણું, ભર્યું છે હૈયામાં તો જે ખોટું ખોટું
ભરવી નથી ફાળ એવી, ચીસ નીકળી જાય એવી, છે હૈયું તો મારું નાનું નાનું
રહી શક્તિના સંગાથમાં, ભરવી છે ફાળ જીવનમાં, દુઃખદર્દ તો, નથી રે જોવું
નાના દિલને મારે કરવું છે મોટું, પ્રભુ તારી વિશાળતાને એમાં સમાવી શકું
કરવું નથી દિલ જીવનમાં હવે તો એવું, દિલ બનતું જાયે, નાનું ને નાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)