નાનો અમથો આતમ મારો, ઉપાધિઓને ઉપાધિઓમાં ઘેરાતો જાય
એક છૂટેને બીજું આવે, જીવનમાં તો અટકે ના એ તો જરાય
મનમાં નહીં ને ચિત્તમાં નહીં, આવી ચડે ઓચિંતાની એ તો સદાય
હસતા ખીલતાં જીવનના મારા ફૂલને, કરમાવી નાખતું એ તો જાય
નિરભ્ર વ્યોમે ધસી આવે જેમ વાદળી, આવે ઓચિંતાની એ તો સદાય
રહેશે કે ટકશે ક્યાં સુધી વાદળી એ તો, જીવનમાં ના એ તો કહી શકાય
કદી આવે અનેકના સમૂહમાં એ તો, કદી એકલવાઈ એ તો આવી જાય
સુખદુઃખના અનોખા અનુભવ કરાવે જીવનમાં, જીવનમાં કરાવે એ તો સદાય
નાની મોટી ઉપાધિઓથી રહે ભરેલું જીવન, જીવન એ તો કહેવાય
ઘડી જાય જીવનને એ તો સદાય, પડે જોવું, જીવન એમાં ના તૂટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)